જૂનાગઢમાં ધુળની ઉડતી ડમ્મરી: માર્ગો બન્યા ધુળીયા
રસ્તા ઉપર અવર-જવર કરતી વખતે ‘ધુળ’નાં આક્રમણથી લોકોને ભારે હાલાકી
જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરનાં લોકો રસ્તા, લાઈટ, પાણી સહીતની પ્રાથમીક સુવિધાનાં પ્રશ્ને ઘણા લાંબા સમય થયા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. ત્યારે હાલ ધુળની ડમરીઓથી પરેશાન બન્યા છે. જૂનાગઢનાં રસ્તાઓ પરથી પસાર થતી વખતે ધુળની ઉડતી ડમરીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગનાં રસ્તાઓ ઉપર સતત ધુળની ડમરીઓ ઉડે છે. આ સમસ્યાને વહેલી તકે દુર કરવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. જૂનાગઢ શહેરમાં કયાંક ને કયાંક એવા દ્રશ્યો જાેવા મળે છે જેમાં કોઈ વિસ્તારમાં રસ્તાનું ખોદકામ કરવામાં આવતું હોય, કયાંક ગટરની લાઈનો રીપેર થતી હોય કે કયાંક પાણીની લાઈનો, ચેમ્બરો સાફ થતી હોય તેમજ વિવિધ કામગીરી સબબ રસ્તાઓનાં ખોદકામ કરવાનું સતત ચાલતું જ રહયું છે. પરંતુ જે તે કામગીરી પુર્ણ કર્યા બાદ રસ્તો પાછો સમથળ બનાવવો કે તેનું વ્યવસ્થિત રીપેરીંગ કરી સિમેન્ટ લગાવી દેવાનાં બદલે શહેરમાં જયાં પણ રસ્તાઓ ખોદી નખાયેલા છે તે મોટાભાગનાં રસ્તાઓને માટીથી બુરી દેવામાં આવ્યા છે અને કામ કરનારા મજુરો જતા રહેતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. ચોમાસુ શરૂ થતાં મુશ્કેલી વધી છે. રસ્તાઓના ખોદકામને કારણે ઠેર-ઠેર ખાબોચીયા ભરાવા, ખાડાઓમાં કાદવ કીચડ ભરાવાનાં કારણે ગંદકીનું સામ્રાજય ફેલાયું છે. વરસાદનાં ઝાંપટા બાદ રસ્તાઓનાં ખાડાની કામગીરી જાેરશોરથી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વાહન કે ટ્રેકટરમાં આવેલા કારીગરો દ્વારા ખાડા બુરવાની કામગીરી કરે છે. આ કામગીરી દરમ્યાન ખાડાઓમાં કપચી નાખવામાં આવે અને માથે સિમેન્ટ નાખી દેવામાં આવતી હોય છે અને પાવડાથી ખાડા ઉપર કપચી અને સિમેન્ટનો છંટકાવ કરી જતા રહેતા હોય છે. આ કામગીરી બાદ થાય છે એવું કે કપચી નાખી, તેમજ માટી પાથરી કે સિમેન્ટ રેતીનો છંટકાવ કરાયા બાદ આ ખાડાઓ સુકા વાતાવરણ કે વરસાદ રહી ગયા બાદ વધુ ખરાબ સ્થિતી સર્જાય છે. ખાડાઓ ઉપર કે રસ્તાના ખોદકામ બાદ રસ્તા પુરી રીતે રીપેર ન કરવાના કારણે અને કેટલાક મુખ્ય માર્ગો ઉપર તો રસ્તો ખોદી નાખ્યા બાદ જે તે કામગીરી પુરી કરીને માત્ર થીંગડા મારી દીધા હોય છે અને જયાં થીગડા માર્યા હોય છે તેની આસપાસ પણ ધુળ, રેતી, કપચી રહી ગયેલ હોય છે. અને આવા માર્ગો ઉપરથી પસાર થતી વખતે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અધકચરી કામગીરીને કારણે જયારે પણ નાના-મોટા વાહનો આ માર્ગો ઉપરથી પસાર થાય છે ત્યારે રસ્તા ઉપર ધુળની ડમરીઓ ઉડવા લાગે છે. ધુળની આવી ઉડતી ડમરીઓને કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ, વાહન ચાલકો કે ત્યાં આવેલી દુકાનો, રહેણાંક મકાનોમાં પણ ધુળ ભરાઈ જાય છે. આજે જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં વિસ્તારો તેમજ માર્ગોમાં સતત ધુળની ડમરીઓ ઉડી રહી છે. એક તો ભેજમય વાતાવરણ ધુળની ઉડતી ડમરીઓને કારણે પણ લોકોનાં આરોગ્યને માટે નુકશાનકારક બની રહયું છે. ધુળની ડમરીઓને કારણે દર દશમાંથી બે વ્યક્તિ આજે શરદી, ખાંસીનાં ભોગ બની રહયા છે. જૂનાગઢનાં કોઈપણ માર્ગ ઉપરથી પસાર થાવ એટલે એકાદ કિલો ધુળનો સામનો કરવો પડે તેવી જૂનાગઢ શહેરની હાલત છે. લોકો મજાકમાં કહી રહયા છે કે, ખાડાખડ, ગંદકીગઢની સાથે સાથે જૂનાગઢને વધુ એક ઉપનામ મળ્યું છે જૂનાગઢ એટલે ‘ધુળની ડમરીનું નગર..’ જૂનાગઢ શહેરની જનતાની મુશ્કેલી દુર કરવા માટે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


