ભવનાથમાં ઘેડિયા કોળી સમાજની વાડીના મેનેજર પર અજાણ્યા શખ્સનો હુમલો : રજીસ્ટર ફાડી નાંખ્યું
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારના સમયે વાડીના મેનેજર પર એક શખ્સે અચાનક જીવલેણ હુમલો કરી લોખંડની બેરિકેડ તેમજ કચરાપેટી વડે ર્નિદયતાપૂર્વક માર માર્યો હતો. હુમલાખોરે વાડીની ઓફિસમાં ઘૂસીને તોડફોડ મચાવી મહત્વના દસ્તાવેજો અને રજિસ્ટર ફાડી નાખ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મેનેજરને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પોલીસે મેનેજરની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં દેલવાડાનો એક શખ્સ ઘેડીયા કોળી સમાજની વાડીમાં આવ્યો હતો. વાડીના નિયમ મુજબ એન્ટ્રી રજિસ્ટરમાં નોંધણી કરાવવા બાબતે વાતચીત થતાં મેનેજરે પ્રમુખ અશોકભાઈ સાથે વાત કરવા જણાવ્યું હતું. તે શખ્સે ફોન પર પ્રમુખ સાથે વાતચીત કરી ઉપરના માળે આંટો મારીને ત્યાંથી રવાના થઈ ગયો હતો, જેથી તે સમયે મામલો શાંત થઈ ગયો હોવાનું જણાયું હતું. બીજા દિવસે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ તે શખ્સ ફરીથી એકલો વાડી ખાતે ધસી આવ્યો હતો. મેનેજર ઓફિસમાં હતા ત્યારે દરવાજો ખખડાવતાં તેઓ જેવા બહાર આવ્યા કે તરત જ આરોપીએ તેમનો કાંઠલો પકડીને નીચે પટકી દીધા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સે ત્યાં પડેલી રોડ બેરિકેડ કરવાની લોખંડની ઘોડી ઉપાડીને મેનેજરના માથાના ભાગે ઝીંકી દીધી હતી અને મોટું ડસ્ટબિન કમર પર ફટકારી દેતાં મેનેજરને માથા તેમજ પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.હુમલો કર્યા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો અને તેણે વાડીની ઓફિસમાં ઘૂસીને અંદર લાગેલી હેલોજન એલઈડી લાઈટો તેમજ અન્ય સાધન-સામગ્રીમાં ભારે તોડફોડ કરી હતી. આરોપીએ ઓફિસમાં રાખેલું મુખ્ય એન્ટ્રી રજિસ્ટર આખું ફાડીને પોતાની સાથે લઈને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા મેનેજરે પ્રાઈવેટ રિક્ષા મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચીને હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે સમગ્ર ઘટના અંગે લેખિતમાં વિગતો આપી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમે સિવિલ હોસ્પિટલ પહોંચી ભોગ બનનાર મેનેજર રામશીભાઈની ફરીયાદના આધારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એકલાને રૂમ આપવાની મનાઈ કર્યાના મનદુ:ખે ગાળાગાળી કરી લોખંડના ઘોડીયા અને કચરાના ડસ્ટબીન વડે મારમારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઓફીસની ટીવી તથા લાઈટ તોડી નાખી સમાજની ધર્મશાળામાં એન્ટ્રી બુકના પાના ફાડી નાખી રૂા.રપ૦૦૦નુ નુકશાન કર્યાની ફરીયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ ડામોરએ હાથ ધરી છે.


