વિશ્વ સિંહ દિવસની ઉજવણી : ૧૧ જિલ્લામાં સાવજની ગર્જના ગુંજી

૨૦૨૫ની સિંહ ગણતરીમાં ૮૯૧ સાવજ વધતી સિંહ સંખ્યા ગુજરાતના સંરક્ષણ મોડેલની સફળતાની સાક્ષી  શિક્ષણ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા-તાલુકા સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન

વિશ્વ સિંહ દિવસની ઉજવણી : ૧૧ જિલ્લામાં સાવજની ગર્જના ગુંજી

જૂનાગઢ તા.૧૦
“ગીર નહીં દેખા તો ગુજરાત નહીં દેખા અને સાવજ નહીં દેખા તો સૌરાષ્ટ્ર નહીં દેખા” - આ માત્ર એક પંક્તિ નથી, પરંતુ ગીરની ધરતી, ગુજરાતની પ્રકૃતિ અને સાવજ સાથેના આપણા લાગણીસભર સંબંધની અભિવ્યક્તિ છે. વિશ્વમાં જંગલી એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ધરાવતું ગીર ગુજરાતની આગવી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. દર વર્ષે ૧૦ ઓગસ્ટે ઉજવાતા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ વર્ષે પણ સિંહ સંરક્ષણ, જનજાગૃતિ અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વનો સંદેશ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.
૧૧ જિલ્લામાં ગૂંજશે સાવજની ગર્જના
નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરના જણાવ્યા મુજબ, વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત ૧૧ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગયા વર્ષે અંદાજે ૨૨ લાખથી વધુ લોકો અને વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. આ વર્ષે પણ વધુમાં વધુ લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને સિંહ સંરક્ષણના અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે શિક્ષણ વિભાગ તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાશે. શાળાઓમાં રેલી, વિવિધ સ્પર્ધાઓ, જનજાગૃતિ પ્રવૃત્તિઓ અને શપથગ્રહણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નવી પેઢીમાં વન્યજીવો, જંગલ અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા વિકસે અને સિંહ સંરક્ષણની ભાવના ઘર-ઘર સુધી પહોંચે તે આ ઉજવણીનો મુખ્ય હેતુ રહેશે.
૮૯૧ સાવજ  સંરક્ષણની સફળતાની ગર્જના
વધુમાં નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર જણાવે છે કે વર્ષ ૨૦૨૫ની સિંહ ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને ૮૯૧ થઈ છે. અગાઉની ગણતરીની સરખામણીએ સિંહોની સંખ્યામાં ૩૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ આંકડો માત્ર સંખ્યામાં થયેલો વધારો નથી. તે વર્ષોથી હાથ ધરવામાં આવી રહેલા સિંહ સંરક્ષણના પ્રયાસો, વન વિભાગની સતત કામગીરી, સ્થાનિક લોકોનો સહકાર અને વન્યજીવપ્રેમીઓની સંવેદનશીલતાની સફળતાનું પ્રતિબિંબ છે. સિંહોની હાજરી નવા વિસ્તારોમાં વિસ્તરી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ, જનજાગૃતિ, રહેઠાણ સુધારણા, પ્રવેશબિંદુઓની વ્યવસ્થા અને અન્ય જરૂરી સંરક્ષણાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. દિવસ-રાત ચાલતા પેટ્રોલિંગ દ્વારા સિંહોના રહેઠાણ અને સલામતી પર સતત નજર રાખવામાં આવે છે.
‘ગીર સંવાદ સેતુ’ ગીરવાસીઓ સાથે વિશ્વાસનો સેતુ
સિંહ સંરક્ષણ માત્ર જંગલની સુરક્ષા પૂરતું નથી. ગીરની આસપાસ રહેતા લોકો, ખેડૂતો અને માલધારીઓ સાથેનો વિશ્વાસ અને સંવાદ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ દિશામાં વન વિભાગ દ્વારા ‘ગીર સંવાદ સેતુ’ જેવા કાર્યક્રમો થકી સ્થાનિક લોકો સાથે સતત સંવાદ સાધવામાં આવે છે. ગીરવાસીઓની પરંપરા, અનુભવ અને સાવજ સાથેના તેમના લાગણીસભર સંબંધને સમજવામાં આવે છે. માનવ અને સિંહ વચ્ચેનું આ અનોખું સહઅસ્તિત્વ જ ગીરની સૌથી મોટી વિશેષતા છે. સિંહ અને માનવ વચ્ચેનો આ વિશ્વાસ ગીરને વિશ્વના અન્ય વન્યજીવ વિસ્તારો કરતાં આગવી ઓળખ અપાવે છે.
સાસણ ગીર : સાવજ સાથે યાદગાર મુલાકાતનું કેન્દ્ર
સાસણ ગીર આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વન્યજીવ પ્રવાસનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. ગયા વર્ષે ૧૦ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીરની મુલાકાત લીધી હતી. સાસણ ગીર ખાતે જંગલ સફારી અને દેવળીયા સફારી પાર્ક એમ બે મહત્વપૂર્ણ સફારી અનુભવો ઉપલબ્ધ છે. જંગલ સફારી માટેની મર્યાદિત પરવાનગીના કારણે દરેક પ્રવાસીને સિંહ દર્શનનો અનુભવ મળી રહે તે માટે દેવળીયા સફારી પાર્ક પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યું છે. પ્રવાસીઓ માટેની મોટાભાગની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હોવાથી બુકિંગ અને પ્રવાસ આયોજનમાં સરળતા રહે છે. ગીરની મુલાકાત માત્ર પ્રવાસ ન રહે, પરંતુ સાવજ સાથેની યાદગાર મુલાકાત બની રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
‘જય-વીરૂ’ ગીરની લોકપ્રિય મિત્રતાની યાદ
ગીરના પ્રવાસીઓ અને ગીરવાસીઓના હૃદયમાં વિશેષ સ્થાન મેળવનારી સિંહોની જોડી એટલે ‘જય-વીરુ’. બંને સિંહોએ લાંબા સમય સુધી સાથે રહીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. વિસ્તારની માલિકી માટેની કુદરતી સ્પર્ધા અને સંઘર્ષ દરમિયાન ઘાયલ થવાના કારણે બંનેનું અવસાન થયું, પરંતુ ગીર સાથે જોડાયેલી તેમની યાદ આજે પણ લોકોના મનમાં જીવંત છે. ગીરમાં અનેક સાવજોને તેમના વિશિષ્ટ લક્ષણો અને વર્તનના આધારે લોકો પ્રેમથી નામ આપે છે. હાલમાં ગીર-ગઢડા વિસ્તારમાં રામ-લખન અને સાસણ ગીર વિસ્તારમાં સલમાન-ભૂપત જેવા સિંહો પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. સિંહોના જીવનમાં વિસ્તારની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે બે નર સિંહો સાથે રહીને પોતાનો વિસ્તાર બનાવે છે અને તેની રક્ષા માટે અન્ય સિંહો સાથે કુદરતી સંઘર્ષ પણ થાય છે. આ કુદરતી વર્તનને સમજવું પણ સિંહ સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
રાજભા ગઢવી : “સિંહ દિવસ કરતાં સાવજની હાજરીથી આપણો દરેક દિવસ સિંહ સમાન”
લોકસાહિત્યકાર રાજભા ગઢવી સિંહ સાથેના ગુજરાતના સંબંધને લાગણી અને લોકસંસ્કૃતિ સાથે જોડતાં જણાવે છે કે, “દિવસ આપણો સારો છે એટલે આપણે ત્યાં સિંહ છે. સિંહ દિવસ કરતાં સાવજની ગીરમાં હાજરીના કારણે આપણો દિવસ જ સિંહ સમાન છે.” તેમના મતે સાવજ માત્ર જંગલમાં વસતું પ્રાણી નથી, પરંતુ ગીર અને ગીરવાસીઓની લાગણી સાથે જોડાયેલી અણમોલ કુદરતી ભેટ છે. 
સમગ્ર એશિયા ખંડમાં જંગલી એશિયાઈ સિંહોનું અસ્તિત્વ ગુજરાતમાં હોવું આપણા માટે ગૌરવ અને ભાગ્યની બાબત છે. ભગવદ્ ગીતાના પ્રસિદ્ધ સંદર્ભને યાદ કરતાં તેઓ જણાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણે પ્રાણીઓમાં પોતાને સિંહરૂપે વર્ણવ્યા છે. ગીરના સાવજની શક્તિ, ખુમારી અને આગવી ચાલ લોકોમાં એક અલગ જ આદરભાવ જન્માવે છે.
ગીરવાસીઓ માટે સાવજ  આદર, પરંપરા અને આસ્થાનું પ્રતીક
ગીર અને આસપાસના માલધારી પરિવારોના જીવનમાં સિંહ સાથેનો સંબંધ માત્ર સહઅસ્તિત્વ પૂરતો નથી. તેમાં લાગણી, આદર અને પરંપરાનો પણ સમાવેશ થાય છે. રાજભા ગઢવી જણાવે છે કે ગીરમાં સારા કામે જતા માલધારીને રસ્તામાં સિંહ સામો મળે, આડો ઉતરે અથવા તેની ડણક સંભળાય ત્યારે કેટલાક લોકો પગરખાં ઉતારી સાવજ પ્રત્યે આદર વ્યક્ત કરે છે. આ પરંપરા ગીરની લોકસંસ્કૃતિમાં સાવજ પ્રત્યેના ઊંડા આદરને દર્શાવે છે. પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી અંગે તેઓ કહે છે કે માત્ર પ્રકૃતિને માણવાની વાતોથી નહીં, પરંતુ તેને સાચવવાથી જ તેનું સૌંદર્ય ટકી રહેશે. જંગલમાં ફેંકાતું પ્લાસ્ટિક વન્યજીવો સુધી પહોંચીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી પ્રકૃતિ પ્રત્યે પ્રેમની સાથે જવાબદારી પણ જરૂરી છે.
પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હશે તો જ ગર્જના ગૂંજતી રહેશે
ગીરના સિંહો માત્ર ગુજરાતની ઓળખ નથી; તેઓ સમગ્ર દેશની કુદરતી ધરોહર છે. સિંહોની સંખ્યા વધે છે તેમ તેમની સુરક્ષા અને રહેઠાણ જાળવવાની જવાબદારી પણ વધે છે. સિંહોના કુદરતી વિસ્તારોનું સંરક્ષણ, જંગલમાં સ્વચ્છતા, પાણીનું જતન, પ્લાસ્ટિકનો ત્યાગ અને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ વર્તન - આ બધું જનભાગીદારીથી જ શક્ય છે. સિંહ સંરક્ષણમાં સરકાર અને વન વિભાગની કામગીરી જેટલી મહત્વપૂર્ણ છે, તેટલી જ મહત્વપૂર્ણ સ્થાનિક સમાજની ભાગીદારી છે. ગીરના સાવજ સાથે વર્ષોથી સહઅસ્તિત્વ જાળવી રહેલા ગીરવાસીઓ આ સંરક્ષણ મોડેલના મહત્વના ભાગીદાર છે. આ વિશ્વ સિંહ દિવસે ગીર, ગીરવાસીઓ, માલધારીઓ, વન્યજીવપ્રેમીઓ અને સમગ્ર ગુજરાતને અભિનંદન પાઠવતાં એટલું જ કહી શકાય કે દુનિયામાં અનેક પ્રાણીઓનાં દર્શન થાય, પરંતુ સાવજનાં દર્શન થાય ત્યારે ગૌરવની અનોખી લાગણી અનુભવાય છે.
ગર્જે ગીર ગૌરવ અનુભવે ગુજરાત!
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ચાલો, સાવજના સંરક્ષણ સાથે ગીરની પ્રકૃતિ અને તેના અનોખા સહઅસ્તિત્વને જાળવવાનો સંકલ્પ કરીએ. સિંહનું સંવર્ધન માત્ર સરકાર કે વન વિભાગની જવાબદારી નથી, પરંતુ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. કારણ કે સાવજની ગર્જના ગીરમાં ગુંજે છે, પરંતુ તેનું ગૌરવ સમગ્ર ગુજરાત અનુભવે છે. સાવજ સલામત તો ગીર સલામત અને ગીર સલામત તો ગુજરાતનું ગૌરવ અખંડ!