રક્ષાબંધન પર કંગના રનૌત-બાબા રામદેવ વચ્ચે સમાધાન, ‘જનરેશન ગટર’ વિવાદનો આવ્યો અંત

રામદેવે કંગનાને બહેન ગણાવી ભેટ-મીઠાઈ મોકલવાની કરી જાહેરાત, કંગનાએ પણ ‘મોટાભાઈ’ કહી સ્વીકાર્યો પ્રેમ

રક્ષાબંધન પર કંગના રનૌત-બાબા રામદેવ વચ્ચે સમાધાન, ‘જનરેશન ગટર’ વિવાદનો આવ્યો અંત

મુંબઈ, તા.૨૯
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે તાજેતરમાં સર્જાયેલો વિવાદ હવે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે બાબા રામદેવે પહેલ કરતાં કંગનાને પોતાની બહેન ગણાવી હતી. તેના જવાબમાં કંગનાએ પણ તેમને મોટાભાઈ તરીકે સંબોધીને જૂના મતભેદો ભૂલવાનો સંદેશ આપ્યો છે.
બાબા રામદેવે કંગનાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમના માટે પોસ્ટ દ્વારા ભેટ અને મીઠાઈ મોકલવાની વાત કરી હતી. સાથે જ તેમણે દેશમાં કોઈ પણ કારણસર નફરત કે પરસ્પર દુશ્મની ન હોવી જોઈએ અને વિવાદને સંવાદ દ્વારા ઉકેલવો જોઈએ તેવો સંદેશ આપ્યો હતો. તેમણે કંગનાને ફોન કરીને પણ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવવાની વાત કરી હતી.
તાજેતરમાં કંગના રનૌતની ‘જનરેશન ગટર’ ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો હતો. નવી દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અંગે કરાયેલી આ ટિપ્પણીની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તેમજ લોકોના એક વર્ગ દ્વારા ટીકા થઈ હતી. બાબા રામદેવે પણ જાહેરમાં કંગનાની ટિપ્પણી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બંને તરફથી એકબીજાને લઈને પ્રતિક્રિયાઓ સામે આવતાં વિવાદ વધુ ચર્ચામાં આવ્યો હતો.
રક્ષાબંધનના અવસરે બાબા રામદેવે સંબંધોમાં રહેલી કડવાશ દૂર કરવાની પહેલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મતભેદ કે વિવાદને લાંબો ખેંચવાને બદલે વાતચીતથી તેનો ઉકેલ લાવવો જોઈએ. આ સાથે તેમણે રક્ષાબંધનના સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ અંગે વાત કરતાં સમાજમાં સૌહાર્દ જાળવવા અને જાતિ-સમુદાય આધારિત ભેદભાવ દૂર કરવાની અપીલ કરી હતી.
બાબા રામદેવે મહાભારત સાથે જોડાયેલી માન્યતાનો ઉલ્લેખ કરતાં દ્રૌપદી અને ભગવાન કૃષ્ણના સંબંધની વાત પણ કરી હતી. તેમના મતે રક્ષાબંધન માત્ર તહેવાર નહીં, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને પરસ્પર રક્ષણની ભાવનાનું પ્રતીક છે.
બાબા રામદેવની પહેલ બાદ કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. કંગનાએ જણાવ્યું હતું કે તહેવારો જૂની ભૂલો અને ગેરસમજને પાછળ મૂકીને એકબીજાને માફ કરવાનો અવસર આપે છે. તેણે બાબા રામદેવના ‘વિવાદ નહીં, સંવાદ થવો જોઈએ’ એવા સંદેશની પ્રશંસા કરી હતી.
કંગનાએ રક્ષાબંધન નિમિત્તે બાબા રામદેવ તરફથી મોકલવામાં આવેલી મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ સ્વીકારવાની વાત કરતાં તેમનો આભાર માન્યો હતો. સાથે જ બાબા રામદેવના લાંબા આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. બંને તરફથી આવેલી આ પ્રતિક્રિયાઓ બાદ તાજેતરમાં સર્જાયેલો વિવાદ શાંત થતો દેખાઈ રહ્યો છે.