ઉનાના દેલવાડા ગામે થયેલ લુંટ પ્રકરણના આરોપીઓ ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૭
ગત તા.૧૩-૧-૨૬ના ઉના તાલુકાના લામધાર ગામે રહેતા અને કડિયા કામ કરતાં અક્ષય ભરતભાઈ મોડશિયા ઊના પોસ્ટ ઓફિસ ચોકમાં કટલરીની દુકાન ધરાવતા મિત્ર ઇરફાન ઉર્ફે હીરો હારૂન બ્લોચની દુકાને બેસવા ગયેલ અને મિત્રએ કહેલ કે દેલવાડ ગામે સાઈ બાબ મંદિર આગળ તેમના સાળા આસિફ રફિકભાઈ દિવેલિયાની કટલેરીની દુકાને કટલેરીના રૂપિયા ૧,૩૭૦૦૦ લેવા જવાના છે તેથી અક્ષય અને તેના મિત્ર મહમદ હુશેન અબ્બાસ સિપાઈ સાથે સ્કૂટર ઉપર રૂપિયા લેવા દેલવાડા ગયા હતા સાઈ બાબના મંદિર પાસે આસિફભાઈની દુકાને જઈ રોકડા ૧,૩૭,૦૦૦ રૂપિયા ગણી પેન્ટના ખિસ્સામાં રાખી ઊના આવતા હતા ત્યારે ખંઢેરા રોડ ઉપરથી ઉનાના કૃણાલ ઉર્ફે સુઝલ રવિ બાંભણિયા અને સિધ્ધાર્થ રાજુભાઈ બાંભણિયા રે. ઊના મોટા કોળી વાડા બુલેટ મોટર સાયકલ ઉપર આવી અક્ષયના સ્કૂટર આડી રાખી પ્રથમ રૂપિયા ૧૦૦૦ ઉછીના માંગેલ અને અક્ષયે મારી પાસે રૂપિયા નથી તેમ કહેતા આરોપી કૃણાલ અને સિધ્ધાર્થએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા તેમની સાથે રહેલ મહમદ હુશેન ડરીને ભાગી ગયો હતો. પછી સિધ્ધાર્થ અક્ષયના બે હાથ પાછળથી પકડી કૃણાલે તેમની પાસે રહેલ છરી બતાવી પેન્ટના ખિસ્સામાં રાખેલ રૂપિયા ૧,૩૭૦૦૦ની લૂંટ કરી અક્ષયને હાથના કાંડામાં છરીના ઘા મારી લોઇ લુહાણ કરી બુલેટ ઉપર નાસી ગયા હતા.
અક્ષયએ ઉના પોલીસ સ્ટેશનમાં બે આરોપી સામે લૂંટ અને છરીથી હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. થોડી કલાક બાદ ઊના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર રાજુલા ગામ પાસે આવેલ હિંડોરાણા ચોકડી પાસે અમરેલી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના પી.આઇ.એ.ડી. ચાવડા અને સ્ટાફ વાહન ચેકીંગ કરતા બુલેટ પર આવેલ બે યુવકોને રોકી પૂછપરછ કરતા અંગ ઝડતી લેતા તેમની પાસેથી રોકડા રૂપિયાના બંડલો રૂપિયા ૧,૩૭,૦૦૦ મળી આવેલ અને પોલીસ સ્ટેશન લાવી આગવી પૂછપરછ કરતા તેમણે ઊના તાલુકાના દેલવાડા ગામ પાસે લૂંટ કર્યાની કબૂલાત આપતા પોલીસે તેમની પાસે રહેલ બુલેટ મોટર સાયકલ રૂપિયા ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૮૭,૦૦૦નો મુદામાલ કબજે કરી ઊના પોલીસને જાણ કરી હતી. આરોપીઓ અને મુદામાલ ઊના પોલીસને સોંપવા તજવીજ શરૂ કરી છે. આમ પોલીસની જાગૃતતાથી ઊનામાં થયેલ લૂંટનો ગુનો અમરેલી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસએ ઉકેલી નાખેલ છે. પોલીસે જણાવેલ મુજબ કૃણાલ ઉર્ફે સુજલ રવિ બાંભણિયા સામે ૭ ગુના દાખલ થયેલ છે. જ્યારે સિધ્ધાર્થ રાજુભાઈ બાંભણિયા સામે બે ગુના દાખલ થયેલ છે. બન્ને રીઢા ગુનેગાર છે.


