જૂનાગઢમાં ૫૮૪.૫ કિલો પ્રતિબંધિત પનીર અને ચીઝ એનાલોગનાં જથ્થાનો નાશ કરાયો, મનપાની ફૂડ શાખા અને જિલ્લા એફડીસીએ ટીમ દ્વારા ચેકીંગ

સરકારનાં આદેશ બાદ સફાળુ જાગેલું મનપાનું ફૂડ તંત્ર કાયમી ચેકીંગની કાર્યવાહી ચાલુ રાખશે ?

જૂનાગઢમાં ૫૮૪.૫ કિલો પ્રતિબંધિત પનીર અને ચીઝ એનાલોગનાં જથ્થાનો નાશ કરાયો, મનપાની ફૂડ શાખા અને જિલ્લા એફડીસીએ ટીમ દ્વારા ચેકીંગ

જૂનાગઢ તા.૮
સરકારશ્રીના ગેઝેટ નોટિફિકેશન અનુસાર 'એનાલોગ પનીર' તથા 'ચીઝ એનાલોગ'ના વેચાણ પર મૂકાયેલા પ્રતિબંધના કડક અમલીકરણ અર્થે જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમ દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં એક ખાસ સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ કામગીરી દરમ્યાન ટીમો દ્વારા શહેરની કુલ ૧૪ વેપારી પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ગિરિરાજ મેઇન રોડ પર આવેલ 'યશ ટ્રેડિંગ'માંથી ૨૪ કિલો, ખામધ્રોળ ચોકડી સ્થિત 'ગામઠી રેસ્ટોરન્ટ'માંથી ૧૪.૫ કિલો, ઝાંઝરડા ચોકડી સ્થિત 'શ્રીજી ફેન્સી ઢોંસા'માંથી ૫૦ કિલો તેમજ તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ ‘અમન સેલ્સ‘માંથી ૪૯૬ કિલો મળી કુલ ૫૮૪.૫ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પનીર તેમજ ચીઝ એનાલોગનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૨,૦૪,૫૭૫/- થાય છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું હતું.