જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામની સીમમાં દારૂનાં કટીંગ સમયે પોલીસ ત્રાટકી : રૂા. ૮,૬૦,૮૦૦નો મુદામાલ જપ્ત
જૂનાગઢ તા.૩
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે ગાંધી જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. બરાબર ગાંધી જયંતિનાં આ અવસરનાં દિવસે જ જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામની સીમમાં રૂા. ૪.૬૦ લાખનાં વિદેશી દારૂનો જથ્થો સી ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે. દારૂ- વાહન સહિત કુલ રૂા. ૮.૬૦ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનીરીક્ષક નિલેશ ઝાઝડીયા તેમજ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદૃશન હેઠળ વિદેશી તેમજ દેશી દારૂ તથા જુગારની બદીની નેસ્ત નાબુદ કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ પી.કે. ગઢવી, એએસઆઈ સરમણભાઈ સોલંકી, નિકુલભાઈ પટેલ તથા પોલીસ હે.કો. આઝાદસિંહ સિસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા તથા ઓ.કો. દિપકભાઈ બડવાને એવી ચોકકસ બાતમી મળી હતી કે જૂનાગઢનાં ગાંધીગ્રામમાં રહેતો ઋત્વીક ભીમા કોડીયાતર દ્વારા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો વાહનમાં મંગાવી પ્લાસવા ગામની સીમમાં આવેલ ખેતરાઉ રસ્તે કટીંગ કરે છે તેવી હકીકતનાં આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો અને સ્થળ ઉપરથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ ચપ્ટા કુલ નં. પ૮૮ કિ.રૂા. ૪,૬૦,૮૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા. ૮.૬૦,૮૦૦નો મુદામાલ ઝડપી લેવામાં આવેલ છે. આ રેડ દરમ્યાન ઋત્વિક ભીમાભાઈ કોડીયાતર રહે. જૂનાગઢ વાળો હાજર નહી મળતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે તેમજ આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


