‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા જૂનાગઢ મહાનગર ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
જૂનાગઢ તા. ૮
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડિયા વિભાગના સુરેશ પાનસુરીયાની યાદી જણાવે છે કે દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાનને જૂનાગઢ મહાનગરમાં ભવ્ય જનભાગીદારી સાથે સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી દિવસોમાં શહેરના દરેક ઘર ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાય અને તિરંગા પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બને તે માટે વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાજપ જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન હીરપરા, મહામંત્રી વિનોદભાઈ ચાંદેગ્રા, જયેશભાઈ ધોરાજીયા, મિલનભાઈ ભટ્ટ સહિત વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, આગેવાનો તથા કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા, રાષ્ટ્રધ્વજ વિતરણ, દેશભક્તિના કાર્યક્રમો તથા જનજાગૃતિના વિવિધ આયોજનો કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાનો, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ વર્ગના નાગરિકોને અભિયાન સાથે જાેડીને તેને જનઆંદોલનનું સ્વરૂપ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં એ વાત પર ભાર મૂકાયો કે રાષ્ટ્રધ્વજ માત્ર એક ધ્વજ નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા, સ્વાભિમાન, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે. તેથી દરેક પરિવાર પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની લાગણી અને ગૌરવ વ્યક્ત કરે તે માટે કાર્યકરો દ્વારા વ્યાપક જનસંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી સમયમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમો યોજી દેશના વિભાજન દરમિયાન વેઠવી પડેલી વેદના, સંઘર્ષ અને બલિદાનને સ્મરણ કરવામાં આવશે. નવી પેઢી દેશના ઇતિહાસ અને રાષ્ટ્રની એકતા અંગે જાગૃત બને તે દિશામાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બેઠક દરમ્યાન કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવા તેમજ વધુમાં વધુ નાગરિકોને જાેડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરના દરેક ઘર સુધી તિરંગો પહોંચે અને દરેક હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રગટે તેવો સંકલ્પ બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. “ચાલો સૌ મળી સંકલ્પ લઈએ... હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા”ના સંદેશ સાથે ભાજપ જૂનાગઢ મહાનગર દ્વારા નાગરિકોને આ રાષ્ટ્રભક્તિના અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું.


